LNM Lions Hospital Bhuj

દાતાશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબિયાએ આંખના 109 ફ્રી ઓપરેશન કરાવાયાં

ભુજ, તા. 08-02-2025

જે.જે.સી. ભુજ અને જે.જે.સી. ભુજ લેડિઝ વિંગના સંયુક્ત ઉપક્રમે સમસ્ત મોરબિયા પરિવારના સૌજન્યથી આયોજિત 50 વર્ષથી સમાજને સમર્પિત જૈન જાગૃતિ સેન્ટરની સુવર્ણ જયંતિની ઉજવણી પ્રસંગે લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે આંખના ત્રિદિવસીય દ્રષ્ટિસેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. 109 દર્દીઓના ટાંકા વગરના સારા ફોલ્ડેબલ નેત્રમણી (લેન્સ) સાથે ફ્રી ઓપરેશન કરવામાં આવ્યાં.

સમસ્ત મોરબિયા પરિવારના મોભી પિતાશ્રી સ્વ. જેઠાલાલ ખેંગાર મોરબિયાની પાવન સ્મૃતિમાં અમી ભરેલું વાત્સલ્ય વહાવતાં માતુશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબિયાની 90 મી વર્ષગાંઠ પ્રસંગે આ આઈ કેમ્પ નં. 201 નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન માતૃશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબીયા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જે.જે.સી. સેન્ટ્રલ બોર્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી રમેશભાઈ જેઠાલાલ મોરબીયા ઉપસ્થિત રહ્યા હતા.

મહેમાનશ્રીઓમાં શ્રી સ્મિતભાઈ હસમુખભાઈ ઝવેરી (પ્રમુખશ્રી, શ્રી વિશા ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિ તથા સાત સંઘ ભુજ), શ્રી કિશોરભાઈ મોરબિયા  (પ્રમુખશ્રી, શ્રી વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન સમાજ ભુજ), શ્રી નિરજભાઈ દોશી (પ્રમુખશ્રી, શ્રી વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન સમાજ યુવક મંડળ ભુજ), શ્રી ભાવિનભાઈ શાહ (વાઇસ ચેરમેન જે.જે.સી.સેન્ટ્રલ બોર્ડ), શ્રી ભૂપેનભાઈ મહેતા (કો-ઓર્ડિનેટર), શ્રી જુગલભાઈ સંઘવી (કો-ઓર્ડીનેટર), શ્રી ડેનીભાઈ શાહ (કો-ઓર્ડીનેટર), જગદીશભાઈ વોરા (સ્થાપક પ્રમુખશ્રી જે.જે.સી.ભુજ), જે.જે.સી. ભુજના પ્રેસિડેન્ટ શ્રી દિપકભાઈ દોશી અને સેક્રેટરી શ્રી રાજેશભાઈ શાહ, જે.જે.સી. ભુજ લેડીઝ વીંગના પ્રેસિડેન્ટ ઉષ્માબેન ખંડોલ અને સેક્રેટરી ધારાબેન શાહ તેમજ અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, લાયન્સ હોસ્પિટલ ભુજ આંખના ઓપરેશનના 200 ઓપરેશન કેમ્પ પુર્ણ ચુકી છે. જેમાં 41000 થી વધુ દર્દીઓના મોતિયા તેમજ વેલના સફળ ઓપરેશન કરવામાં આવ્યાં છે. અમદાવાદના નિષ્ણાંત ડો. સચિન પટેલ કે જેઓ 1 લાખથી વધુ દર્દીઓના ઓપરેશન કરી ચુક્યા છે તેઓ આ ઓપરેશનો માટે લાયન્સ હોસ્પિટલમાં અવિરત સેવા આપી રહ્યાં છે. તેઓએ ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પણ બંને આંખોના મોતિયાના ઓપરેશન કર્યાં છે.

હોસ્પિટલમાં વર્ષોથી આ ઓપરેશન તદન ફ્રી ઓફ ચાર્જ રીતે કરવામાં આવે છે. જેનાં માટે કચ્છ તેમજ દેશ-વિદેશના દાતાઓ અવિરત ડોનેશન આપી રહ્યાં છે. આજના કેમ્પના દાતાશ્રી રમેશભાઈ મોરબિયાએ પણ આવનારાં બે વર્ષ સુધી સતત બે આઈ કેમ્પ ડોનેટ કરવાની જાહેરાત કરી હતી.

લાયન્સ હોસ્પિટલ ભુજની મુલાકાત લેનાર કોઈપણ વ્યક્તિ અહીંની ચોખ્ખાઈ તેમજ મેનેજમેન્ટ જોઈને ખુબ જ પ્રભાવિત થાય છે. તેમજ દર્દીઓને વિનામૂલ્યે અપાતી સેવાઓ રૂબરુ નિહાળી તેઓ પ્રભાવિત થાય છે અને ડોનેશન કરવા પ્રેરાય છે. પ્રતિષ્ઠિત, સુખી સંપન્ન તેમજ એનઆરઆઈ લોકો પણ પોતાના આંખના ઓપરેશનો અહીં કરાવે છે તેમજ હોસ્પિટલ માટે સકારાત્મક રિવ્યુ ઈન્ટરવ્યુ પણ આપે છે.

આજના કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ MJF લાયન અજીતસિંહ રાઠોડે કર્યું હતું. તેમજ હોસ્પિટલના ચેરમેન MJF લાયન ડો. ભરત મહેતા (PhD) સર્વેને હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. લાયન્સ ક્લબના લાયન અભય શાહ, લાયન શૈલેન્દ્ર રાવલ, લાયન વિપુલ જેઠી, લાયન મનસુખ શાહ, લાયન અનુપ કોટક, લાયન શૈલેષ માણેક, લાયન રોહિત જોષી તેમજ અન્ય લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા.

સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા. હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનું પાઘડી, શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું. જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું. આભાર વિધિ તેમજ કાર્યક્રમનું સંચાલન લાયન પ્રફુલ શાહ દ્વારા કરવામાં આવ્યું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top