
ભુજ, તા. 10-01-2024
લુધિયાણા પંજાબના અને હાલ યુ.કે. નિવાસી શ્રી દલજીતભાઈ શૌનકે તેમની પત્ની શ્રીમતી તિલાશ શૌનકના 70મા જન્મદિવસ નિમિત્તે લાયન્સ હોસ્પીટલ-ભુજને એક ડાયાલિસીસ મશીનનું દાન રૂા. 7,50,000/- આપેલ છે. જેનો લોકાર્પણ સમારોહ લાયન્સ ક્લબ્સ ઈન્ટરનેશનલના ડિસ્ટ્રીક્ટ ગવર્નર PMJF લાયન હિરલબા જાડેજાની ઉપસ્થિતિમાં હોસ્પિટલ મધ્યે યોજાઈ ગયો.
અત્રે ઉલ્લેખનીય છે કે, લાયન્સ ક્લબ ઓફ પોરબંદરના પાસ્ટ પ્રેસિડેન્ટ લાયન વિજય ઉનડકટની પ્રેરણાથી દલજીતભાઈ અને તેમના પત્ની તિલાશબેન લાયન્સ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. હોસ્પિટલની મુલાકાત દરમિયાન તેઓએ અહીંના ફ્રી ડાયાલિસિસ સેન્ટરની પ્રવૃત્તિને ઝીણવટભરી રીતે નિહાળી. તેમણે જોયું કે અહીં ઘણા દર્દીઓ ફ્રી ડાયાલિસિસ કરાવી રહ્યા છે. જેમાં તેમણે 7 વર્ષની નાનકડી ઉંમરના બાળકને પણ ડાયાલિસિસ કરાવતા જોયો. આ જોઈને બંને પતિ-પત્નીનું કાળજુ કંપી ઉઠ્યું. ઉપરાંત તેમણે જાણ્યું કે, આ બાળકનો પરિવાર આર્થિક રીતે ખૂબ જ નબળો છે. પુત્રના ડાયાલિસિસ કરાવવા માટે દર મહિને 20 થી 30 હજારનો ખર્ચ કરવો તેમની માટે બિલકુલ અશક્ય છે.
ત્યારબાદ તેમણે હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે ખૂબ જ ઝીણવટભરી રીતે માહિતી લીધા બાદ તેમને પ્રેરણા થઈ કે અમારે પણ આ માનવસેવાના યજ્ઞમાં યોગદાન આપવું જોઈએ. અને હોસ્પિટલના ચેરમેન લાયન ભરત મહેતાની તેઓએ સત્વરે મુલાકાત લીધી અને વધુ પુછપરછ બાદ તેઓએ તેમના તરફથી ડાયાલિસિસ મશીન માટે રૂ. 7,50,000/- નું દાન આપવાની તુરત જ જાહેરાત કરી.
છેલ્લા 50 વર્ષથી ભુજમાં સેવાકાર્યો કરી રહેલા લાયન્સ ક્લબ ઓફ ભુજના લાયન મિત્રો તેમજ હોસ્પિટલની પ્રવૃત્તિઓને ખૂબ જ બિરદાવી હતી. જેનાથી લાયન મિત્રો અને સ્ટાફને પણ વધુ સેવાકાર્યો કરવા માટે પ્રોત્સાહન મળ્યું હતું. અહીં ફ્રી ડાયાલિસિસ કરાવતા દર્દીઓએ પણ બંને દંપતિને ખૂબ જ દિલથી આશીર્વાદ આપ્યા હતા.
મશીનના લોકાર્પણના કાર્યક્રમની શરૂઆત સર્વે મહેમાનોના વાજતે ગાજતે સ્વાગત બાદ દિપપ્રાગટ્યથી થઈ હતી. હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવાર અને મહેમાનોને સ્વાગત અને સન્માન આપવામાં આવ્યું હતું. સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા.