
ભુજ, તા.06-10-2024
અક્ષર નિવાસી લક્ષ્મણભાઈ ભીમજી રાઘવાણી (બળદીયા)ની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ (21-09-2024) નિમિત્તે તેમના આત્મશ્રેયાર્થે પરિવારજનો તરફથી લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે કચ્છના આંખના જરૂરીયાતમંદ 71 દર્દીઓના ફ્રી ઓપરેશન કરવામાં આવ્યાં. જેના ત્રિદિવસીય આઈ કેમ્પ નં. 189 નું આયોજન હોસ્પિટલ મધ્યે કરવામાં આવ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે, અ.નિ. લખુબાપા અવારનવાર લાયન્સ હોસ્પિટલની મુલાકાત લેતાં અને દર્દીઓની મદદ માટે હંમેશા ડોનેશન કરતાં રહેતા. તેઓ 4000 વધુ આંખોના ઓપરેશન અહીં કરાવી ચુક્યાં છે. તેમજ દેશ-વિદેશના અનેક દાતાઓને અહીં દાન કરવા માટે પ્રેરણા આપેલ છે
કાર્યક્રમમાં શ્રી કરસનભાઈ પ્રેમજી રાઘવાણી, શ્રી રામજીભાઈ એસ. હિરાણી, શ્રીમતી જશુબેન કરસન રાઘવાણી, શ્રી ભાવેશભાઈ આર. પટેલ, શ્રી કાનજીભાઈ વેકરીયા, શ્રી હિરેનભાઈ ગુંસાઈ ઉપસ્થિત રહ્યા હતાં.
લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ MJF લાયન અજીતસિંહ રાઠોડે સ્વાગત પ્રવચન કર્યું હતું. હોસ્પિટલના ચેરમેન MJF લાયન ભરત મહેતાએ સર્વેને હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.
લાયન્સ ક્લબ ઓફ ભુજમાંથી લાયન મનસુખ શાહ, નવીન મહેતા તેમજ અન્ય લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા.
સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા. હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનું પાઘડી, શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું. જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું. લાયન શૈલેષ ઠક્કરે આભાર વિધિ કરી હતી. અને કાર્યક્રમનું સંચાલન લાયન અભય શાહે કર્યું હતું.