LNM Lions Hospital Bhuj

પિતાની સ્મૃતિમાં પરિવારજનો દ્વારા લાયન્સ હોસ્પિટલમાં ડાયાલિસિસ મશીનની ભેટ

ભુજ, તા. 11-01-2025

શ્રી જલારામ બાપાની કૃપાથી સ્વ. ખીમજીભાઈ ખેરાજભાઈ દાવડાના આત્મશ્રેયાર્થે પરિવારજનો તરફથી લાયન્સ હોસ્પિટલને ડાયાલિસીસ મશીનનું દાન મળેલ છે. જેનો લોકાર્પણ સમારોહ લાયન્સ ગવર્નરની ઉપસ્થિતિમાં લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે યોજાઈ ગયો.

શ્રી અજયભાઈ દાવડાએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, આપણે સૌ જાણીએ છીએ તેમજ અનુભવીએ છીએ કે લાયન્સ ક્લબ ભુજ આજ ઘણા વર્ષોથી આરોગ્ય ક્ષત્રે તેમાં પણ ખાસ કરીને જીવલેણ સમાન કીડનીના દર્દીઓને માટે લગભગ જીવનભર આવશ્યક અને ખર્ચાળ એવી ડાયાલીસીસની સારવાર પૂરી પાડી આર્થિક રીતે જરૂરિયાતમંદ લોકો માટે આર્શીવાદરૂપ કહી શકાય એવો માનવ કલ્યાણનો ઉમદા યજ્ઞ દિલેર દાતાઓના સહયોગ ચલાવી રહ્યા છે. મારો આ સંસ્થા જોડેનો પ્રથમ પરીચય વષૅ 2008 માં અમારા સ્વર્ગીય પિતાશ્રીના ખાસ બાળ મિત્ર કહી શકાય તેમજ જેમને જ્યારે આ સંસ્થા બે કે ત્રણ ડાયાલીસીસ મશીનના સહારે ડાયાલીસીસ સેન્ટર ચલાવતા હતા. ત્યારે તેમને ઉમદા દિલેરી દાખવી એક ડાયાલીસીસ મશીન લોક કલ્યાણના ઉદેશ્યથી અર્પણ કરેલ એવા અમારા વડીલ શ્રી લક્ષમણભાઈ દેવજીભાઈ હીરીણી એ કરાવેલ. સંસ્થામાં માનવસેવાના ચાલી રહેલ એવા ઉમદા કાર્યોથી પ્રભાવિત થઈ મારા પિતાશ્રીની પ્રથમ પુણ્યતિથીએ અમારા પરિવારે લાયન્સ ક્લબના સહયોગથી જ ભાગવત કથાનુ આયોજન કરેલ અને તેમાં એકત્ર થયેલ રકમ માનવસેવાના યજ્ઞમા આહુતીરૂપે આપેલ . આ ઉપરાંત વર્ષ 2007 થી 2009 દરમ્યાન અમારા સ્વર્ગીય પિત્રાઈ ભાઈ વિનોદ મુળજી દાવડા કે જે પોતે લાયન્સ ક્લબ દ્વારા સંચાલિત ડાયાલીસીસ સેન્ટરમાં અઠવાડિયે બે વાર ડાયાલીસીસ કરાવવા આવતા હતા. તેમની જોડે હું પણ બે થી ત્રણ વાર તેમની સાથે આવેલ ત્યારે સંસ્થાની માનવસેવાની ઉમદા સેવાથી પ્રભાવિત થઈ અમારા માતુશ્રી જયોતિબેનને પણ ખાસ ઈચ્છા થઈ કે ઈશ્વર કૃપા થશે તો હું પણ સંસ્થા દ્વારા સંચાલીત માનવસેવાના આ યજ્ઞમાં એક ડાયાલીસીસ મશીનના રૂપે આહુતિ આપીશ.

મિત્રો અમને જણાવતા અતિ ખુશી થાય છે કે આજ અમારા સ્વર્ગીય પિતાશ્રી તેમજ અન્ય વડિલો એ પ્રાથમિક તબ્બકા થી શરૂ કરી દિવસ રાત જોયા વગર પોતાના અથાગ પરીશ્રમથી વિકાસની રાહ પર આગળ વધારતા વધારતા અને તેમાં અમોને સાથે જોડીને અમારા તેમજ અમારા સંતાનોના સુખદ ભાવી માટે લીલીવાડી સમાન વૃધ્ધી પામી રહેલો અમારો બિઝનેસ દાવડા શીખંડ કે જે આજ 40 માં વર્ષમાં પ્રવેશ કરે છે.

વડીલોની આવી અસીમ કૃપાના રૂણી હું તેમજ મારા અનુચ એવા યોગેશ અને જીગ્નેશ ઘણા સમયથી પૂર્વજ વડીલો ના આત્માને શાતા  પહોંચે અને માનવસમાજ ને માટે કલ્યાણકારી હોય તેવુ કોઈ કાર્ય તેમની યાદમાં કરવા વિચારી રહ્યા હતા. ત્યારે આ સંસ્થાના કાર્યથી ઉમદા કોઈ કાર્ય ના જણાતા વળી અમારા પિતાશ્રી લક્ષમણભાઈ,તેમના પુત્રી ઊર્મિબેન તેમજ મોર્નિગ વોક્સૅ ગ્રુપના સ્વર્ગીય મિત્ર શ્રી ધનસુખભાઈ ના પુત્ર હસમુખભાઈ વગેરે જેવા અમારા દિલેર અને પ્રેરણાદાયી લોકોથી પ્રેરાઈને આજ અમો દાવડા પરિવાર આજ રોજ લાયન્સ ક્લબ ભુજને ડાયાલીસીસ મશીનને લોકસેવાના હિતાર્થે અપર્ણ કરતા હૈયે અતિશીતળતાનો અનુભવ કરીએ છીએ

આ પ્રસંગે લોક કલ્યાણના આવા ઉમદા કાર્યોમાં સમર્પિત કરનાર સંસ્થાના સર્વે સેવા શ્રી ભરતભાઈ મહેતા, શ્રી અભયભાઈ શાહ, સંસ્થાના દિલેર દાતાશ્રીઓ તેમજ આ સંસ્થાના સમગ્ર કાર્યકરોને વંદન,પ્રણામ.આપ સૌ માનવસેવાના જે ઉમદા કાર્યો કરો છો તે સવિશેષ કરી શકો તે માટે ઈશ્વર આપને સર્વ રીતે સક્ષમ બનાવે તેવી મંગળ કામના. ભવિષ્યમા અમે પણ આવા કાર્યોમાં વિશેષથી સહભાગી તેમજ પ્રેરણાદાયી બની શકી એવી ઈશ્વર શક્તિ અને સદબુધ્ધી અર્પે તેવી યાચના.

અંતમાં સંસ્થા ના આવા ઉમદા કાર્યોમાં અમારા પરિવારને સહભાગી બનાવાનો મોકો આપવા બદલ સંસ્થાના સર્વ લોકોનો હદયપૂર્વકનો આભાર…….જય જલારામ………

આજના કાર્યક્રમમાં દાતા પરિવારના ગં.સ્વ. જ્યોતિબેન ખીમજીભાઈ દાવડા, શ્રીમતી મનોરમાબેન અને શ્રી અજયભાઈ ખીમજીભાઈ દાવડા, શ્રીમતી હિનાબેન અને શ્રી યોગેશભાઈ ખીમજીભાઈ દાવડા, શ્રીમતી ચૈતાલીબેન અને શ્રી જીજ્ઞેશભાઈ ખીમજીભાઈ દાવડા, શ્રીમતી નિલમબેન હેમંતભાઈ માનસત્તા, શ્રીમતી અંકિતાબેન સુરજભાઈ ઠક્કર, શ્રીમતી હેન્સીબેન અંકિતભાઈ ચૌહાણ, શ્રીમતી માસુમીબેન નિકેતભાઈ દાવડા, શ્રીમતી જ્હાનવીબેન પ્રિયંકભાઈ દાવડા, શ્રી ભાવિક જીજ્ઞેશભાઈ દાવડા, શ્રી મોહિત જીજ્ઞેશભાઈ દાવડા, શ્રી નૈતિક નિકેતભાઈ દાવડા, સમસ્ત ખેરાજભાઈ દેવજીભાઈ દાવડા ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષશ્રીઓમાં ભુજ લોહાણા મહાજનના પ્રમુખશ્રી લાયન ડો. મુકેશભાઈ ચંદે, ઉપપ્રમુખશ્રી ઘનશ્યામભાઈ આર. ઠક્કર , મંત્રીશ્રી હિતેશભાઈ ચત્રભુજ ઠક્કર, ખજાનચીશ્રી મુળરાજભાઈ જી. ઠક્કર, અખિલ રઘુવંશી સોશ્યલ ગ્રુપના પ્રમુખશ્રી જયેશભાઈ જે. સચદે-બાપા દયાળુ ઉપસ્થિત રહ્યા હતા.

આજના દિવસે લોહાણા સમાજના પ્રમુખશ્રીની એક જ હાકલથી ઉપસ્થિત મહેમાનોમાંથી દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી અને લગભગ આંખના 150 જેટલા દર્દીઓના ઓપરેશન માટે ડોનેશન જાહેર કર્યા હતા.

લાયન્સ ક્લબ્ઝ ઈન્ટરનેશનલના ડિસ્ટ્રીક્ટ 3232-J ના ગવર્નર MJF લાયન ભરત બાવીસી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સ્વગત પ્રવચન લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ લાયન અજીતસિંહ રાઠોડે કર્યું હતું. હોસ્પિટલના ચેરમેન MJF લાયન ડો. ભરત મહેતાએ હોસ્પિટલમાં ચાલતી ફ્રી કિડની ડાયાલિસિસ, ફ્રી આંખના મોતિયાના ઓપરેશન, ડેન્ટલ ડિપાર્ટમેન્ટ, ઓડિયોમેટ્રી ડિપાર્ટમેન્ટ, જનરલ ઓપીડી, પેથોલોજી લેબોરેટરી, એમ્બ્યુલન્સ વગેરે સેવાકીય પ્રવૃત્તિઓથી સર્વેને માહિતગાર કર્યા હતા અને ફ્રી કિડની ડાયાલિસિસ કરાવતાં દર્દીઓના પરિવાર વતી દાતાશ્રીનો દિલથી આભાર માન્યો હતો.

તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી લાયન્સ હોસ્પિટલ કિડનીના દર્દીઓને ફ્રી ડાયાલિસિસની સેવા આપી રહી છે. અત્યાર સુધી 2,00,000 થી વધુ ફ્રી ડાયાલિસિસ અહીં પૂર્ણ કરવામાં આવ્યાં છે. કચ્છના અલગ અલગ ગામોમાંથી 150 થી વધુ દર્દીઓ નિયમિત અહીં ડાયાલિસિસ કરાવવા આવે છે.

લાયન મેમ્બરમાં લાયન શૈલેષ માણેક વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ લાયન વિપુલ જેઠી તેમજ કાર્યક્રમનું સંચાલન લાયન પ્રફુલ શાહે કર્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top